નિર્મિશ ઠાકર: ગનપટ હુરટીનું મહાભારટ પ્રકરણ-૪૯

પશ્વાતાપમાં ડૂબી ‘ઐયો ઐયો….’ ના પોકાર સાથે કલ્પાંત કરતા રેડ્ડીને ટીવી સ્ક્રીન પાસેથી ખેંચી લાવી અમે સોફામાં બેસાડ્યો. અમે દેવી ગીતાંજલિ ઉર્ફે ગીતા પટેલનો પ્રેરક કાર્યક્રમ જોવામાં ફરી વ્યસ્ત બન્યા. ‘જો પ્રેમ, શંકા અને કલહ નજરે પડે, તો સમજી લેવું કે ત્યાં સ્ત્રી હશે! કલહ તો પછીની વાતછે, પણ હે પ્રેમપંખિણીઓ, પ્રેમનિમિત્તે કોઇ શંકાઓ હોય તો મને પ્રશ્ન અવશ્ય પૂછી શકો છો!’ ગીતાંજલિએ જ્ઞાન આપવાની તૈયારી દર્શાવી.

‘દેવીજી, જીવનમાં લગ્નનું મહત્વ ખરું?’ એક પ્રેમપંખિણીએ ફફડાટ રજુ કર્યો.ગીતાંજલિએ ઊંડો શ્વાસ લેતાં કહ્યું, ‘પ્રેમની કબર ખોદવાનું મન થાય, ત્યારે લગ્ન અવશ્ય કરવાં. લગ્ન દ્વારા જ તમને સમજાશે કે પ્રેમ વિનાનું જીવન કેટલું વેરાન અને આત્મા કેટલો હેરાન હોય છે!’ એટલામાં સ્ક્રીન પર સ્ત્રીરૂપે પધારેલા મનુભાઇની ડોકી ઊંચી થતી દેખાઇ. પર્સમાંથી લપિસ્ટીક કાઢી હોઠ પર ફેરવતાં એમણે પૂછ્યું, ‘હું ક્યારની એ વિચારું છું કે મેકઅપ કરવાથી વધુ પ્રેમ પામી શકાય? હું અતિ પ્રણય-ભૂખી છું, દેવીજી!’

સ્ક્રીન પર આ દ્રશ્ય જોઇ રેડ્ડી ઉકળ્યો, ‘યે સાલા મેક’પમેન મેરા ગીતા કો ઉલ્લુ બનાતા દેકો! મૈં બી તોડા તોડા ગુજરાતી સમજતા, યુ નો? ઓ તો પ્રેમ કા નૈં, સાલા સેક્સ કા ભૂકા, બોલે તો યેક નમ્બર કા રાસ્કલ ફેલો! મેરા હાત મેં યેક બાર આયા, તો મૈં ઉસકો યેક લમ્બા ઝાપટ મારેગા, ગોડ પ્રામિસ!’વિશિષ્ટ પ્રશ્નથી પ્રસન્ન બની ગયેલો ગીતાંજલિનો ચહેરો સ્ક્રીન પર દેખાયો.

‘હું અતિ પ્રભાવિત થઇ છું તમારા પ્રશ્નથી! તમારો પ્રે.પિ.નંબર કયો?’ ગીતાંજલિએ પૂછ્યું.‘હું પ્રે.પિ.થર્ટી છું…’ મનુભાઇએ પોતાની બંગડીઓ ઊંચી ચડાવતાં કહ્યું.‘હાં… તો પ્રે.પિ.થર્ટી, મેકઅપથી આકર્ષણનું તત્વ વધે છે. કોઇનું ધ્યાન આપણા ભણી દોરાય તો જ પ્રેમ શક્ય બને, ખરુંને? ઇન શોર્ટ, મેકઅપ સાચા અર્થમાં પ્રેમોદ્દીપક છે.’ ગીતાંજલિએ રહસ્ય સમજાવ્યું.

‘પણ પ્રેમ સરળતાથી કેમ નથી થતો?’ અચાનક સ્ક્રીન પર પ્રેમિલાભાભી પ્રશ્ન પૂછતાં દેખાયાં. અમારા પ્રીતમજી પરફેક્ટ ઉર્ફે ગનપટ હુરટી ઊંઘી રહ્યા હતા, નહીં તો આ જોઇ અવશ્ય ઉછળ્યા હોત!‘મને કશુંક રંધાતું લાગે છે, કારણ કે હું ડુંગળીની ખેતી નથી કરતો…’ ડિટેક્ટિવ ડેંગુચાએ મૂછને હળવો સ્પર્શ આપતાં કહ્યું. ‘આ ભોગી ‘ચકલી’નો ઢંગધડા વિનાનો પ્લાન આગળ વધી રહ્યો છે. થોડીવારમાં બધું અંધેર થઇ જશે, તમે સ્ક્રીન પર જોયે રાખો…’

અંધેર થવાથી અમારું શું થશે, એની મને કલ્પના નહોતી. રામ રાખે તેમ રહીએ-જેવી અમારી સ્થિતિ હતી. દેવી ગીતાંજલિએ જલપાન કર્યા પછી પ્રત્યુત્તર આપ્યો, ‘પ્રેમ સરળતાથી ન જ થાય કારણ કે એ ક્રિયા નથી કલા છે! કલાનું સ્વરૂપ સરળતાથી સમજાય?’ત્યાં અચાનક સ્ક્રીન પર કલાબેનનું વિકરાળ સ્વરૂપ દેખાયું. ‘…લે તને કલાનું સાચું સ્વરૂપ સમજાવું…’ કહી એમણે ગીતાંજલિનાં નાકનું નિશાન લઇ ચંપલનો ઘા કર્યો! યોગ્ય રીતે લક્ષ્યવેધ થતા ‘ઓઇઇ માઆઆ!’ની ચીસ સાથે ગીતાંજલિ સ્ટેજ પર ઉછળી!

‘એ… તું કોણ છે?’ ચડતા સોજાને કારણે કદમાં વિસ્તરતું નાક રૂમાલ પાછળ સંતાડતાં ગીતાંજલિએ કલાબેનને અજાણતાં જ ખતરનાક પ્રશ્ન પૂછ્યો. જવાબમાં તરત બીજું ચંપલ એના કપાળમાં ભટકાણું! ‘ઐયો… ઉદર મેરા ગીતા જુતે કા માર ખાતા… ઔર યિદર તુમ લોગ યેન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ સમજકે યેન્જોય કરતા? તુમ સબ બકવાસ આદમી, પાની મેં ચુલ્લુ ભર કે ડૂબ મરો! મૈં અબી જાતા ઔર, મેરા ગીતા કો યિમિજીયેટલી બચાતા, ગુડ બાય…’ રેડ્ડી લાંબી રાડારાડ કરી એની ગીતાને બચાવવા અમને છોડી ગયો અને અમે જોતા રહ્યાં.

ટીવી સ્ક્રીન પર એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ ચાલુ જ હતો! ડેંગુચાની આગાહી મુજબ અંધેર થવા લાગ્યું હતું. કલાબેન મોટ્ટા ડોળા કાઢી ગીતા સામે ગરજતા હતાં, ‘એટલે તું મને કલાડી કૂતરી કહે છે, એમ? તારો ધણી જીવે છે, તોયે કેટલા ધણીઓ કરવા છે તારે? હવે અમારાં પ્રેમિલાબેનની શોકય થવું છે, એટલે ગણપત ભૈને ઝાલ્યા છે તેં? નોકરીમાં તારા રેડ્ડીસાહેબનેય તેં ના છોડ્યા! હવે અહીં દેવી ગીતાંજલિ બની લોકોને લફરાંખોરી શીખવાડે છે? આજે જાહેરમાં તારી સાચી ઓળખાણ આપું છું અને હવે લોકો તને નહીં છોડે!’બીજી જ ક્ષણે શૂરાતન ચડતાં પ્રેમિલાબેને ગીતા સામે ચંપલો ફેંકતાં ત્રાડ નાંખી, ‘મારો… આ ….લફરાંખોરનેએએ…’

થોડીવારમાં તો ગીતા તરફી અને ગીતા વિરોધી, એમ બે સમૂહો રચાઇ ગયા અને અક્કલમઢ્ઢી પ્રેમપંખિણીઓ વચ્ચે મહાયુદ્ધ ફાટી નીકળ્યું! સ્ત્રીઓ દ્વારા સ્ત્રીઓની સાડીઓ અને દુપટ્ટા એ રીતે ખેંચાવા લાગ્યા કે દુ:શાસન જુએ તો શરમાઇને આંખો મીંચી લે! આ દ્રશ્ય જોઇ એબસોલ્યુટ ઝીરો અને મિ.ળણએ આંખો મીંચી દીધી. (મારી આંખો ખૂલ્લી હોય તો જ આ બધું દેખાયને, મિત્ર!)જો કે ડેંગુચાએ તરત આદેશ કર્યો, ‘આંખો ખૂલ્લી રાખો, ભૂલી ન જાઓ કે તમે ડિટેક્ટિવના માણસો છો!’

ટીવી સ્ક્રીન પર હવે આશ્ચર્યજનક દ્રશ્ય પ્રસારિત થઇ રહ્યું હતું! રેડ્ડી ત્યાંના સ્ટેજ પર પહોંચી ચૂકયો હતો! એણે માઇક હાથમાં લઇ પરિસ્થિતિને પણ હાથમાં લેવાની કોશિશ કરતાં કહ્યું, ‘ઐયોય્યો! યે ક્યા કરતા આપ લોગ? અમારા સાઉથ મેં દેકો… જૈસા યિંગ્લિશ બી નૈં ફાડતા, ઐસા આપ લોગ યેકદુસરે કા કપડા ફાડતા, વેરી બેડ યુનો! યે કૈસા મહાભારત મેં દેકતા, ઓ તો મેરેકુ માલુમ નૈં, બટ પ્લીઝ સ્ટોપ દીસ નાનસેન્સ! મૈં યિદર મેરા ગીતા કો લેને આયા કોઇ મેરા બાત સૂનો યાર…’

અચાનક અણધાર્યો પુરૂષનો અવાજ સંભળાતા પ્રેમપંખિણીઓએ ચમકીને એકબીજાને પીંખવાનું બંધ કર્યું.‘અબી સબ અપના કપડા ઠીક કરકે બતાના કિ ઓ મેરા ગીતા કિદર ગયા? ઐયો ગીતા, તુમ કિદર બી હોગા, ઉદર સે યિદર આ જાના પ્લીઝ!’ રેડ્ડીએ દર્દભર્યો પોકાર કર્યો. થોડીવારે સ્ત્રીઓના એક ટોળા વચ્ચેથી ચિંથરેહાલ ગીતા નીકળી આવી. રેડ્ડીએ એને પોતાનો કોટ ઓઢાડી દેતાં કહ્યું, ‘ઐયો ગીતા…ગીતા…ગીતા! મૈં કિતના લમ્બા લમ્બા ઔર ગોલ ગોલ ગોલ ઘૂમકે યિદર આયા, માલૂમ? મૈં જુટા, બટ મેરા પ્યાર સચ્ચા યુનો? તુમ ગલત રાસ્તા લિયા, તો દેકો માર બી બો’ત ખાયા, અબ સબ બેલન્સ મેં હો ગયા. અબી મેરા હાત પકડકે કબી ચોડને કા નૈં, ઓકે? મેરા ગુસ્સા રજનીકાન્ત જૈસા, ફિર બી ઓ કંટ્રોલ કર કે, અપના પ્યાર ઓફર કરતા, યન્ડરસ્ટેન્ડ?’અમે આ રોમાંચક ટર્નિંગ પોઇન્ટને માણતા હતા ત્યાં કલોઝ સર્કિટ ટીવી પર દ્રશ્ય બદલાઇ ગયું!

‘એની માને…પ્રનામ! સમસ્ટ જગટની માટાઓને બી પ્રનામ!’ એ શબ્દો સાથે મારો પરમ મિત્ર અને ત્રિકોણ ચહેરાનો માલિક ગનપટ હુરટી સ્ક્રીન પર દેખાણો. હવે એની ઊંઘ ઊડેલી જણાતી હતી.

by DIVYA BHASKAR

Advertisements

About kaushikzala

an research scientist and pharma professional
This entry was posted in GUJARATI......................KAUSHIK IN GREAT MOOD. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s